નાંધઈ પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ
ખેરગામ તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાંધઈ પ્રાથમિક શાળાના પટાંગણમાં અત્યંત ઉત્સાહસભર અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રભાત ફેરી અને ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. પોલીસ કર્મચારી દ્વારા પરેડ કરી ધ્વજ વંદન વિધિ કરાવી હતી. ખેરગામના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ વિજયભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદારશ્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રજાજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપીને ઉપસ્થિત નાગરિકોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ત્યારપછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ દેશભક્તિ સભર અને અદ્ભુત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને નાંધઈ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા 'તિરંગા થીમ' પર રજૂ કરવામાં આવેલ વિશેષ ડાન્સે સમગ્ર માહોલને દેશભક્તિના રંગે રંગી દીધો હતો. તેજસ્વી બાળકો , પ્રતિભાશાળી શિક્ષકો અને શ્રેષ્ઠ કામગીરી કરેલ કર્મચારીનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ ગૌરવવંત સમારોહમાં તાલુકાના વિવિધ પદાધિકારીઓ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, વિવિધ કક્ષાના અધિકારીઓ, શિક્ષકો, શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને દેશપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


























0 Comments