નાંધઈ પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા ખાતે તારીખ ૨૭/૦૮/૨૦૨૬ ના રોજ પવિત્ર શ્રાવણ માસના નિમિત્તે 'રક્ષાબંધન' તહેવારની ભવ્ય અને લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર અને સક્રિય રીતે ભાગ લીધો હતો.
કાર્યક્રમના પ્રારંભે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રક્ષાબંધનના તહેવારનું ધાર્મિક, સામાજિક અને સંસ્કૃતિક મહત્ત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. બહેન દ્વારા ભાઈના રક્ષણ માટે બાંધવામાં આવતા રક્ષાકવચ અને ભાઈ દ્વારા બહેનની રક્ષા કરવાના વચન પાછળ રહેલા પ્રેમ અને સમર્પણની ભાવના વિશે શિક્ષકોએ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ ઉજવણી દરમિયાન શાળા પરિસરમાં એક અનોખો સ્નેહપૂર્ણ માહોલ સર્જાયો હતો. શાળાની બાળાઓએ ભાઈ સમાન સહઅધ્યાયીઓના કપાલે કંકુનું તિલક કરી, ચોખા લગાવી તેમના દીર્ઘાયુની પ્રાથના કરી હતી અને જમણા હાથે પ્રેમનું પ્રતીક એવી રાખડી બાંધી હતી. રાખડી બાંધ્યા બાદ ભાઈ અને બહેન બંનેએ એકબીજાને ચોકલેટ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને પરસ્પર પ્રેમ અને ખુશીઓ વહેંચી હતી.
આ ઉજવણી દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો, તહેવારો પ્રત્યેનો આદર અને ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની ભાવના વધુ દ્રઢ બની હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર અને આનંદદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો.














0 Comments